ભીતરનો દીવો
ભીતરનો દીવો પેટાવ, રે મનવા, ભીતરનો દીવો પેટાવ,
બહાર બળે છે લાખ દીવા, તોય અંધારું શાને ભાવ?
તીરથ તીરથ ભટક્યો ભાઈ, ગંગા ન્હાયો, કાશી,
માળા ફેરવી, ધૂણી ધખાવી, તોય રહ્યો ઉદાસી;
જેને શોધે મંદિર-મસ્જિદ, એ તારે ઘટ આવ…
ભીતરનો દીવો પેટાવ…
પડદા ઉપર પડદા નાખ્યા, અહમના ને લોભના,
કાચની ભીંતે ચહેરા ચીતર્યા, મોહના ને ક્ષોભના;
પડદો ખોલી જો તો ખરો, ત્યાં બેઠો તારો રાવ…
ભીતરનો દીવો પેટાવ…
પરાગ કહે: આ દીવો નાનો, તેલ એનું છે પ્રેમ,
વાટ બને જો નમ્રતા, તો ઝળહળે સૌ ક્ષેમ;
એક જ્યોત જો ભીતર જાગે, આખું જગ અજવાળ…
ભીતરનો દીવો પેટાવ…
– પરાગ રતનપરા