ભીતરમાં હતો
શોધ જેની હું કરું છું, એ જ ભીતરમાં હતો,
ને દિશાઓ ઘૂમતો હું, સાવ અંતરમાં હતો.
ઘંટ, દીવા, આરતીમાં શોર બહુ મોટો હતો,
મૌન જે ઈશ્વર ચહે છે, એ જ ગહ્વરમાં હતો.
ગ્રંથ મોટા વાંચનારા કેટલા પંડિત થયા,
સાર તો માના લખેલા એક અક્ષરમાં હતો.
એક ભૂખ્યા બાળને જ્યાં રોટલો આપ્યો જરી,
એ જ પળ ઈશ્વર ખરેખર આજ મંદિરમાં હતો.
ફૂલ ધરવા આ પરાગે મૂર્તિ પાસે જઈ જરા,
ઈશ ખીલ્યો ફૂલમાં, ના કોઈ પથ્થરમાં હતો.
– પરાગ રતનપરા
#ગઝલ #અધ્યાત્મ #ઈશ્વર #ભક્તિ #માનવતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Spirituality #GodWithin #Devotion #Humanity #ParagRatanpara