ભીંડા
સિત્તેર વર્ષે પણ
શાકમાર્કેટમાં
ભીંડા પસંદ કરતાં કરતાં
હું અટકી જાઉં છું.
સામેની લારી પર
એક છોકરી
ટામેટાં નહીં, તડકો ખરીદે છે જાણે —
વાળ ઉછાળીને, હસીને,
ભાવ ઓછો કરાવતી.
મને કોઈ લોભ નથી,
કોઈ પસ્તાવો નથી.
બસ, આંખોને હજી
સુંદરતાની ટેવ છૂટી નથી,
જેમ જૂના કૂવાને
પાણીની.
ઘેર આવીને પત્નીને કહું છું:
‘આજે ભીંડા બહુ કૂણા મળ્યા.’
એ હસે છે —
ચાલીસ વર્ષથી એ જાણે છે
કે હું ભીંડાની વાત નથી કરતો.
– પરાગ રતનપરા