ભયશૂન્ય
‘જ્યાં ચિત્ત ભયશૂન્ય હોય…’
માસ્તર
વર્ગમાં ભણાવે છે.
છોકરો પૂછે છે:
‘સાહેબ,
એ દેશ ક્યાં છે?’
માસ્તર
બારી બહાર જુએ છે —
રસ્તા પર
પોલીસનો દંડો,
સ્ક્રીન પર
ટ્રોલનું ટોળું,
ઑફિસમાં
બોસની ભ્રમર,
ઘરમાં
પાડોશીની નજર.
માસ્તર
ચશ્માં સાફ કરે છે,
પછી ધીમેથી કહે છે:
‘બેટા,
એ દેશ
કવિતામાં છે.
પરીક્ષામાં
પૂછાશે,
જીવનમાં
નહીં.’
ઘંટ વાગે છે.
છોકરો
પાઠ ગોખવા માંડે છે,
ને માસ્તર
પહેલી વાર
એ પાઠ
મનમાં
પ્રાર્થનાની જેમ બોલે છે.
– પરાગ રતનપરા