ભૂલાતી નથી
ઘાવ રૂઝાયા, છતાં એ વાત ભૂલાતી નથી,
ચાંદની જેવી હતી, એ રાત ભૂલાતી નથી.
બે ઘડી સ્ટેશન ઉપર, ને ઊપડી ગઈ રેલ ત્યાં,
આંખની કોરે ઝરી સોગાત ભૂલાતી નથી.
દેશ છોડ્યો, વેશ છોડ્યો, ને નવી ભાષા વદું,
તોય ભીતર ગામડાની જાત ભૂલાતી નથી.
વાયદા ભૂલી ગયા એ, ચૂંટણી જીતી પછી,
પણ પ્રજાને પીઠ પરની ઘાત ભૂલાતી નથી.
આ ‘પરાગે’ ફૂલ, ડાળી, બાગ સઘળા છોડિયા,
ખોળલે જેણે ઉછેર્યો, માત ભૂલાતી નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્મૃતિ #વિરહ #વતન #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #Memories #Unforgettable #Homeland #Mother #ParagRatanpara