← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભગવાં ઓઢ્યે શું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભગવાં ઓઢ્યે શું થયું, જો ભીતર ભરિયો ભાર રે,
ઝોળી ખાલી, મન ભર્યું, ત્યાં ક્યાંથી ઊઘડે દ્વાર રે?

ઘર મેલ્યું ને આશ્રમ બાંધ્યો, આશ્રમમાં એ.સી. ઠંડાં,
ચેલા-ચેલી, ચાકર ઝાઝા, ગાડી, ગાદી, ઝંડા;
‘માયા મેલી’ કહે, પણ માયા સંગ જ કરે વહેવાર રે…
ભગવાં ઓઢ્યે…

વન વન ભટક્યો, તીરથ ન્હાયો, જપ્યા લાખો જાપ,
અંદરનો ‘હું’ જીવતો રહ્યો, તો ફોગટ સઘળો તાપ;
વૈરાગ વિના ત્યાગ તો, ભાઈ, પાણી ઉપર પ્રહાર રે…
ભગવાં ઓઢ્યે…

પરાગ કહે: ફૂલ ખરે ત્યારે ડાળ ન કરતી શોક,
મ્હેક વેરીને ચાલી જાય, ના રાખે કંઈ રોક;
એવો ત્યાગ જો આવડે, તો ઘરમાં જ હરિદ્વાર રે…
ભગવાં ઓઢ્યે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનહીં ઝૂકુંઆગલો લેખ →રમીએ