ભારો મેલી દે
મનવા, ભારો મેલી દે, હવે હળવો થઈને હાલ,
મારગ લાંબો, સાંજ પડી, ને ઝીણી ઝીણી ચાલ.
ઘર બાંધ્યું ને ખેતર લીધાં, ખોલી દીધી હાટ,
દીકરા-દીકરી પરણાવ્યાં, પૂરા કર્યા ઘાટ;
હવે શું ગણવું ઊંચું-નીચું, શું નફો, શું માલ?
મનવા, ભારો…
ભેળું કર્યું જે ગાંઠે બાંધી, ઝાંપે રહી જાશે,
છેલ્લે તો આ ચાર ખભા ને ચપટી રાખ જ થાશે;
ઝાઝું ના સંઘરજે, જીવ, તું, ખાલી રાખ રૂમાલ…
મનવા, ભારો…
પરાગ કહે: આ શ્વાસનો દીવો ઝગમગ જ્યાં લગ ઝળકે,
એક અજાણ્યા આંસુ લૂછજે, એ જ પુણ્ય થઈ ચળકે;
હળવો થઈને જાશે ઈ તો, પહોંચશે પેલે પાર…
મનવા, ભારો…
– પરાગ રતનપરા