સૂકો કૂવો
હું તો ગામનો સૂકો કૂવો, મારે કાંઠે કોઈ ના આવે,
એક જમાનો એવો હતો, આખું ગામ મને બોલાવે.
પનિહારીનાં બેડાં રણકે, ગરગડી ગાતી ગીત,
ઘૂંઘટ પાછળ વાતો થાતી, વાતોમાં થાતી પ્રીત;
હવે નળનો નાનો ચકલો આખું ગામ સાચવે…
હું તો ગામનો…
મારા તળમાં તારા ઊતરતા, ચાંદો જોતો મુખ,
કોઈ છોકરો સિક્કો નાખી માગી લેતો સુખ;
હવે તળિયે પથ્થર, પ્લાસ્ટિક, ને પડઘો મને રડાવે…
હું તો ગામનો…
પરાગ કહે: કૂવો નથી આ, ગામનું ખાલી હૈયું,
પાણી ગયું તો સંબંધોનું દોરડું પણ તરડાયું;
એક ડોલ જો ભરે કોઈ તો કૂવો ફરી હરખાવે…
હું તો ગામનો…
– પરાગ રતનપરા