← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાડૂત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે છ વાગ્યે
એલાર્મ વાગે છે,
ને એક શરીર
પથારીમાંથી ઊઠે છે.

બ્રશ,
ચા,
છાપાની હેડલાઇન,
લોકલ ટ્રેન,
પંચ-ઇન.

આઠ કલાક
એ શરીર
‘હા સર’, ‘ઓકે સર’, ‘ડન સર’
બોલે છે.

સાંજે
પંચ-આઉટ,
લોકલ ટ્રેન,
ટીવી,
ખીચડી,
ઊંઘ.

વચ્ચે ક્યાંક
એક દિવસ
ટ્રેનની બારીમાંથી
મેઘધનુષ દેખાયું હતું,
ને એ શરીરમાં
કશુંક
સહેજ હલ્યું હતું.

ત્યારે ખબર પડી
કે અંદર
હજી કોઈ રહે છે —
ભાડું ભર્યા વગર,
ચૂપચાપ,
મેઘધનુષની રાહમાં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમોભે કાગઆગલો લેખ →શુકન