← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોભે કાગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મોભે બેસી કાગ બોલ્યો રે, કોણ આવે છે ગામ?
ઝાંપે ઊભી વાટ જોઉં રે, ભૂલી ગઈ ઘરકામ…

ચૂલે મૂક્યું આંધણ ઊકળે, લોટ રહ્યો અધબાંધ્યો,
વેણી ગૂંથતાં ગૂંથતાં મેં તો ચોટલો ઊંધો બાંધ્યો;
નણદી બોલી: ‘ભાભી, તમે તો ભૂલ્યાં સાનનું નામ!’
મોભે બેસી…

કાગ ઊડ્યો ને સાંજ પડી, ને ગોધૂલિ ઊડી ધોળી,
ગાડું આવ્યું, ઘૂઘરા વાગ્યા, ઘૂંઘટે હસી હું ભોળી;
ગાડે બેઠો મારો વીરો, લાવ્યો માના રામ-રામ…
મોભે બેસી…

પરાગ કહે: કાગડો તો બસ એક બહાનું, રાણી,
વાટ જોવાની ટેવ જ આપે આંખોને ઉજાણી;
જે ઝાંપે ઊભું રહે, એને આવે કોઈ મુકામ…
મોભે બેસી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસિંહાસનઆગલો લેખ →ભાડૂત