← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાડાનું ઘર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં જિંદગીને ઘર માન્યું હતું.
ભીંતો રંગાવી,
બારીએ પડદા ટાંગ્યા,
આંગણે તુલસી વાવી,
દરવાજે નામની તકતી મૂકી.

એક સવારે
દરવાજે ટકોરા પડ્યા —
માલિક ઊભો હતો,
હાથમાં કરારનો કાગળ:
‘મુદત પૂરી.’

હું સામાન બાંધું છું,
ને જોઉં છું —
ભીંત પર મારી છબી કરતાં
મારા ઠોકેલા ખીલાનાં કાણાં
વધારે વખત રહી જશે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખશ્વાસમાં તુંઆગલો લેખ →છે ગુજરાતમાં