ભાભીનું લે'રિયું
મારું લે'રિયું ઝૂલે રે ઝરૂખડે, નણદલ માગે લે'રિયું રે બાઈ!
મારા વીરાએ મેળેથી લાવ્યું, જેના રંગે મનડું છવાઈ.
લીલી પીળી ભાત્યું એમાં, આભલાં ચમકે તીણાં,
પહેરું ત્યાં તો પાદર ગાજે, ઝાંઝર વાગે ઝીણાં;
નણદલ બોલી, ‘ભાભી, મને દ્યો, મારે મેળે જાઈ!’…
મારું લે'રિયું…
ભાભી કહે: ‘લે'રિયું તો આપું, બેની, શરત મારી એક,
વીરાને જઈ કહેજે, ભાભી વાટ જુએ છે છેક;’
નણદલ હસી, ભાભી શરમાણી, મુખ પર લાલી છાઈ…
મારું લે'રિયું…
પરાગ કહે: આ લે'રિયું તો નણંદ-ભોજાઈનો મેળ,
એક દોરે બાંધે બે હૈયાં, પિયર-સાસરનો ખેલ;
આપ્યું લે'રિયું, મળી ગઈ આખી બહેનપણી સગાઈ…
મારું લે'રિયું…
– પરાગ રતનપરા