બે શબ્દ
‘ચા મૂકું?’
‘હા.’
‘ખાંડ ઓછી?’
‘તું જાણે છે.’
પચાસ વર્ષથી
અમારી વાતો
આટલી જ લાંબી છે.
જુવાનીમાં
અમે આખી રાત વાતો કરતાં,
ને છતાં
એકબીજાને સમજતાં નહોતાં.
હવે
બે શબ્દોમાં
આખો દિવસ કહેવાઈ જાય છે.
ક્યારેક એ પૂછે છે:
‘તને ખબર છે, આજે કઈ તારીખ છે?’
મને ખબર નથી હોતી.
પણ હું કહું છું:
‘તું છે ત્યાં સુધી
કોઈ તારીખની જરૂર નથી.’
એ ‘ગાંડા!’ કહીને
રસોડામાં જાય છે,
ને ચામાં
એ દિવસે
ખાંડ થોડી વધારે નાખે છે.
– પરાગ રતનપરા