બે દિવાળી
શહેરના ફ્લૅટની બાલ્કનીમાં
ચાઇનીઝ સિરીઝ ઝબૂકે છે —
લાલ, લીલી, ભૂરી,
ટાઇમર સાથે.
ચાલુ થાય ત્યારે કોઈ જોતું નથી,
બંધ થાય ત્યારે કોઈ જાણતું નથી.
ગામમાં
બા રોજ સાંજે
ઓટલે બેસી
રૂની દિવેટ વણતી,
કોડિયામાં તેલ પૂરતી,
ને દરેક દીવો મૂકતાં
કોઈનું નામ લેતી —
‘આ તુલસીનો,
આ પાણિયારાનો,
આ કૂવાના થાળાનો,
ને આ… પરદેશ ગયેલા દીકરાનો.’
આજે પણ
મારી બાલ્કનીમાં ઝગમગાટ છે,
પણ એકેય દીવાનું
નામ નથી.
– પરાગ રતનપરા