← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શ્યામ, તમે શ્રાવણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શ્યામ, તમે શ્રાવણનું વાદળ, હું તો તરસી ધરતી રે,
એક જ ટીપે ખીલી જાઉં, જુગ જુગથી હું ઝૂરતી રે.

તમે ગાજો ગોકુળ ઉપર, હું તો ગામને છેડે,
તમે વરસો મથુરા માથે, હું રહું કોરી કેડે;
ચાતક થઈને ચાંચ ઉઘાડી, આભ ભણી હું ફરતી રે…
શ્યામ, તમે…

મોરલો નાચે, દેડકાં બોલે, સૌને મળ્યો તમારો સાદ,
એક મને જ ન મળ્યું ટીપું, કેવો આ તમ પ્રસાદ?
ફાટી ગઈ હું ચીરે ચીરે, તોય તમારું રટતી રે…
શ્યામ, તમે…

પરાગ કહે: આ વાદળ-ધરતીની પ્રીત તો જૂની જાણે,
વરસે નહીં તો ય વાદળ મળતું ધરતીને મધરાતે, રાણે;
ઝાકળ થઈને આવ્યો શ્યામ, ને રાધા ભીની ઠરતી રે…
શ્યામ, તમે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખજેવું લાગતુંઆગલો લેખ →બે દિવાળી