બક્કલ
ઑફિસ જતાં
ખિસ્સામાં હાથ નાખ્યો
તો નીકળ્યું
ગુલાબી બક્કલ —
પતંગિયાવાળું.
મીટિંગમાં
સાહેબ બોલતા રહ્યા:
‘ટાર્ગેટ’, ‘ગ્રોથ’, ‘ડેડલાઇન’…
ને હું ટેબલ નીચે
ખિસ્સામાં
પતંગિયું પંપાળતો રહ્યો.
સાંજે ઘેર આવ્યો.
દીકરી દોડી આવી:
‘પપ્પા, મારું બક્કલ?’
મેં આપ્યું.
એણે વાળમાં ભરાવ્યું,
ને આખો દિવસ
જે ઊડ્યું નહોતું,
એ પતંગિયું
હવે ઊડ્યું.
– પરાગ રતનપરા