← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બગલો અને સૂરજ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શિયાળાની સાંજે
સૂરજ
તળાવમાં ઊતરે છે
ધીરે ધીરે —
જાણે
ઠંડા પાણીમાં
પગ બોળતાં
ખચકાતો હોય.

પાળે
એક બગલો
એક પગે ઊભો
એને જોયા કરે છે.

હું વિચારું છું —
બેમાંથી
વધારે ધીરજ કોની?
રોજ ડૂબતા સૂરજની,
કે રોજ
એના ડૂબવાની
રાહ જોતા બગલાની?

ઉત્તર
ઠંડીમાં થીજી જાય છે,
ને અંધારું
મારા ખભે
શાલ ઓઢાડી દે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસવાલોઆગલો લેખ →ફકીરા