બાયોડેટા
છોકરીનો બાયોડેટા આવ્યો:
ઊંચાઈ: પાંચ ફૂટ ચાર ઇંચ,
વાન: ઘઉંવર્ણો,
અભ્યાસ: એમ.બી.એ.,
રસોઈ: આવડે છે,
શોખ: વાંચન, સંગીત.
છોકરાનો બાયોડેટા ગયો:
પગાર: બાર લાખ,
ફ્લેટ: પોતાનો,
ગાડી: છે,
વ્યસન: નથી
(બંનેનાં માબાપને ખબર છે કે ખોટું છે).
જન્માક્ષર મળ્યા,
છત્રીસમાંથી બત્રીસ ગુણ.
લગ્ન થઈ ગયાં.
ત્રણ વરસ પછી
બંનેએ પહેલી વાર
એકબીજાને
સાચો બાયોડેટા કહ્યો:
‘મને રાતે ડર લાગે છે.’
‘મને મા યાદ આવે છે.’
એ રાતે
પહેલી વાર
છત્રીસે છત્રીસ ગુણ
મળી ગયા.
– પરાગ રતનપરા