બારી
હૉસ્પિટલના
ચોથા માળે
દાદાજીએ
છેલ્લી વાર
આંખ ઉઘાડી
ને એક જ શબ્દ કહ્યો:
‘બારી.’
ડૉક્ટરે
મૉનિટર જોયું,
નર્સે
ડ્રિપ જોઈ,
પપ્પાએ
રિપોર્ટ જોયા.
મેં
બારી ખોલી.
બહાર
લીમડાની એક ડાળ હતી,
એના પર
એક ચકલી,
ને દૂર
કોઈના ઘરે
વઘારની ગંધ.
દાદાજીએ
ઊંડો શ્વાસ લીધો —
ખેતર જેટલો,
ગામ જેટલો,
આખા આયખા જેટલો.
પછી
મૉનિટરની લીટી
સીધી થઈ ગઈ.
અમે બધા
રડ્યા.
ફક્ત બારી
ખુલ્લી રહી —
જાણે
કોઈ હમણાં જ
ત્યાંથી
બહાર ગયું હોય.
– પરાગ રતનપરા