મેઘધનુષ
મા કહેતી:
તું મારો છે.
પિતા કહેતા:
તું ઘરનો છે.
ગામ કહેતું:
તું આપણી નાતનો છે.
શાળા કહેતી:
તું રોલ નંબર સત્તાવીસ છે.
ઑફિસ કહે છે:
તું એમ્પ્લૉઈ આઈડી છે.
ને દીકરી કહે છે:
‘પપ્પા, તમે ઘોડો છો,
પીઠ પર બેસાડો!’
સાત રંગો
એક કિરણમાં
ભળી જાય
ત્યારે ધોળો પ્રકાશ બને છે.
હું
હજી
ધોળો થયો નથી.
હજી
વરસાદ પછીના
આકાશની જેમ
ક્યાંક ક્યાંક
વેરાયેલો છું.
– પરાગ રતનપરા