બાપુનો કાગળ
સરહદેથી બાપુ લખે: ‘દીકરી, રડતી નહીં,
ચાંદો જોજે રાતે, એ જ ચાંદો અહીં ને તહીં.’
બરફ પડે છે, ઠંડી લાગે, ગરમ કરું છું હાથ,
તારી ઝીણી ગોદડી જેવી કોઈ ન આપે બાથ;
તારું દોરેલું ચિત્ર ખિસ્સે, છાતી પાસે રહી…
સરહદેથી…
નિશાળ જજે, ભણજે, બેટા, ને બાને સંભાળજે,
દાદાની દવા ભૂલે તો હળવેથી યાદ અપાવજે;
તું જ ઘરનો દીવો, બેટા, એ મારી વાત સહી…
સરહદેથી…
પરાગ કહે: એ કાગળ પહોંચ્યો, બાપુ ના આવ્યા પાછા,
તિરંગે વીંટાઈ આવ્યા, શબ્દો રહ્યા સૌ સાચા;
દીકરી આજે ચાંદો જોતી, આંખે આંસુ વહી…
સરહદેથી…
– પરાગ રતનપરા