← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાંય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મંદિરના પગથિયે
એક ડોશી
તમારી બાંય પકડે છે.

તમે છોડાવો છો,
એ ફરી પકડે છે —
એવી પકડ
જે ફક્ત
ડૂબતા માણસ પાસે હોય.

તમે સિક્કો આપો છો,
એ નથી લેતી.
કહે છે:
‘બેટા, જરા ઊભો રહે,
મારા દીકરા જેવો લાગે છે.’

તમે ઊભા રહો છો —
એક મિનિટ,
બે મિનિટ.
એ તમારો ચહેરો
ભૂખી આંખે જમે છે.

પછી છોડી દે છે:
‘જા.’

અંદર
ભગવાન
તમારી રાહ જુએ છે,
પણ તમને લાગે છે —
દર્શન
થઈ ગયાં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવણજારોઆગલો લેખ →રડશો ના