વણજારો
હાલ્યો રે વણજારો, લઈ પોઠ ને પાછળ ધૂળ,
ગામ પછી ગામ, એનું ક્યાંય નહીં રે મૂળ.
આજ અહીં તો કાલ તહીં, એ તંબૂ તાણે,
સાંજ પડે ત્યાં ચૂલો સળગે, મહેફિલ જામે ગાણે;
સવાર થાતાં ઊઠી ચાલે, પાછળ મૂકે ફૂલ.
હાલ્યો રે વણજારો…
કોઈ પૂછે: ‘ઘર ક્યાં તારું?’ હસી કહે: ‘આ રસ્તો,’
‘સગાં કોણ?’ — ‘આ બળદ, તારા, ને આ ખાલી બસ્તો;’
એને મન તો આખી ધરતી એક જ મોટું કૂળ.
હાલ્યો રે વણજારો…
પરાગ કહે: આપણ સૌ પણ વણજારા જ ભાઈ,
ભાડે લીધાં ઘરમાં બેસી, કરીએ શી વડાઈ?
પોઠ ઉપાડી ચાલ્યા જાશું, બાકી રહેશે ધૂળ.
હાલ્યો રે વણજારો…
– પરાગ રતનપરા