બાંકડે
સાંજની એ ચૂપકીદી, મૌન વાતો બાંકડે,
એ જ ઠંડી, એ ગુલાબી, એ જ રાતો બાંકડે.
કોતરેલાં નામ પર રંગો નવા છે તંત્રના,
તોય ભીતર સાચવે છે એક નાતો બાંકડે.
ગામથી આવેલ ડોસો એકલો બેસે અહીં,
ફ્લેટ નાનો દીકરાનો, રોજ જાતો બાંકડે.
સૌ ગયાં ઘર, ને પડે વરસાદ સૂની રાતમાં,
સાવ ભીનો, ને ઠરેલો, યાદ ન્હાતો બાંકડે.
આ પરાગે ત્યાં ઉચાર્યો’તો પ્રથમ જે શેર, એ
આજ પણ એ શેર મીઠો ગણગણાતો બાંકડે.
– પરાગ રતનપરા
#ગઝલ #બાંકડો #પ્રેમનીયાદ #વૃદ્ધત્વ #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #ParkBench #OldLove #OldAge #Loneliness #ParagRatanpara