અવિનાશી
કોઈએ એને જોયો
પહેલી વાર આંખ ઉઘાડતા બાળકની
અચરજભરી કીકીમાં.
કોઈએ એને સાંભળ્યો
સ્મશાનની ચિતામાંથી ઊઠતા
એક તડતડાટમાં —
જાણે કહેતો હોય: ‘હું અહીં નથી.’
કોઈએ એના વિશે ગ્રંથો લખ્યા,
કોઈએ એના પર તલવારો તાણી,
કોઈએ એને મંદિરમાં પૂર્યો,
કોઈએ એને બજારમાં વેચ્યો.
ને એ?
અગ્નિ એને બાળી શકતો નથી,
પાણી એને પલાળી શકતું નથી,
પવન એને સૂકવી શકતો નથી —
પણ એક નાનકડું ‘અચરજ’
એને રોજ જગાડી શકે છે.
હું રોજ સવારે
બારીમાંથી ઊગતો સૂરજ જોઉં છું
ને મનમાં બોલું છું: ‘અરે!’
બસ, એ ‘અરે’માં
એ અવિનાશી
પડખું ફેરવે છે.
– પરાગ રતનપરા