અષાઢનાં વાદળ
ચાલો,
આષાઢનાં વાદળ આવ્યાં છે —
ભાવનગરના આકાશમાં
કોઈ વેપારીની જેમ
ગાંસડીઓ લઈને.
ખેડૂત ખેતરે ઊભો છે,
ગળામાં ઉધારનું દોરડું,
આંખમાં ભીનું ગણિત.
વાદળ ઘડીક થોભે,
ભાવતાલ કરે,
ગામ પર છાંયો નાખી
પાછાં આગળ વધી જાય —
શહેરની દિશામાં.
ત્યાં
એક ફ્લેટની બાલ્કનીમાં
એક છોકરી ખુશ થઈને
ફોટો પાડે છે:
‘વાઉ, વેધર!’
ને અહીં
ખેતરની તિરાડોમાં
એક બીજ
છેલ્લી વાર
આકાશ સામે જુએ છે.
– પરાગ રતનપરા