અરીસો ને ગજરો
આયનામાં જોઉં તો દેખાય ગજરો, ગજરામાં દેખાય તું,
સાજન, તારા નામની મેંદી હથેળીએ રચાવું હું.
વેણીમાં મોગરો ગૂંથ્યો, ને આંખે આંજ્યું કાજળ,
દર્પણ પૂછે: ‘કોના માટે આટલું સજવું, પાગલ?’
લાજે ઝૂકી ગઈ હું, ત્યાં તો દર્પણમાં મલક્યો તું…
આયનામાં જોઉં…
ચાંદલો કરતાં હાથ ધ્રૂજે, ને ઝાંઝર બોલે ધીમું,
ભીંતો, બારી, બારણાં સૌ સાંભળે એ ગીત ઝીણું;
આખું ઘર દર્પણ થઈ ગયું, ને દર્પણ થઈ ગ્યું તું…
આયનામાં જોઉં…
પરાગ કહે: આ ગજરો કાલે કરમાઈ જાશે, ગોરી,
પણ જે મ્હેક તેં મનમાં ગૂંથી, એ તો સાત જનમની દોરી;
અરીસો તૂટે, રૂપ ઢળે, પણ પ્રીતે ઝળહળ તું…
આયનામાં જોઉં…
– પરાગ રતનપરા