અરીસાનો બીજો માણસ
અરીસો રોજ સવારે
મારો ચહેરો બતાવે છે —
ધોયેલો, ઓળેલો,
ટાઈ જેવો સીધો, હસતો.
પણ રાતે
બત્તી બુઝાવ્યા પછી
એમાં
એક બીજો માણસ જાગે છે,
જે બળતો હોય છે
પોતાનાં જ જૂઠાણાંની
તાપણીમાં.
હું રોજ સવારે
ઠંડું પાણી છાંટીને
એને ઓલવી નાખું છું.
એ રોજ રાતે
રાખમાંથી
ફરી બેઠો થાય છે.
કોઈ દિ’ હિંમત કરીશ —
બત્તી ચાલુ રાખીને
એ માણસ સાથે
આંખ મેળવીશ.
– પરાગ રતનપરા