એવી આંખ દેજે
નથી માગતો મહેલ-મોતી, નથી માગતો તાજ,
દેજે પ્રભુ, એવી આંખ, જે વાંચે પારકી દાઝ.
કોઈ ભૂખ્યું બાળ મળે તો રોટલો અડધો દઉં,
કોઈ ઘરડી માની લાકડી થઈ, ઘર લગી લઈ જઉં;
મારા દીવે કોઈ ઝૂંપડીની રાત બને આજ…
દેજે પ્રભુ, એવી આંખ…
ઘંટ વગાડું મંદિરમાં, એથી રીઝે ના તું,
રડતું કોઈ હસી પડે, ત્યાં જ મલકતો તું;
મારે હાથે કોઈનાં આંસુ લૂછાય, એ જ મારું કાજ…
દેજે પ્રભુ, એવી આંખ…
પરાગ કહે: ફૂલ ખીલે છે પોતાને માટે નહીં,
મ્હેક વહે છે વગડે વગડે, પૂછ્યા વિના અહીં;
એવું જીવતર દેજે, જેમાં બીજાનો હો સાજ…
દેજે પ્રભુ, એવી આંખ…
– પરાગ રતનપરા