અરીસાની ફરિયાદ
એક સવારે
અરીસાએ મને રોક્યો.
કહે:
‘રોજ સવારે તું આવે છે,
વાળ ઓળે છે,
ટાઇ સરખી કરે છે,
સ્મિતની પ્રૅક્ટિસ કરે છે
ને જતો રહે છે.
ત્રીસ વર્ષથી
હું તને જોઉં છું,
પણ તેં એક વાર પણ
મારી સામે
આંખ મેળવીને
જોયું નથી.’
મેં પહેલી વાર
મારી આંખમાં જોયું.
ત્યાં
એક દસ વર્ષનો છોકરો
હાથમાં ભમરડો લઈને
ક્યારનો
મારી રાહ જોતો ઊભો હતો.
તે દિવસે
હું ઑફિસે મોડો પહોંચ્યો,
પણ ઘણાં વર્ષે
ઘરે વહેલો પહોંચ્યો.
– પરાગ રતનપરા