અંદાજે
બાની રસોઈની ડાયરી
મારા હાથમાં છે.
દાળ ઢોકળી:
લોટ — અંદાજે,
મીઠું — ચપટીક,
મરચું — જોઈતું હોય એટલું,
ગોળ — છોકરાંને ભાવે એટલો.
મેં બધું માપીને બનાવ્યું,
ગ્રામ, ચમચી, કપ…
પણ એ સ્વાદ ન આવ્યો.
હવે સમજાય છે,
બાના દરેક ‘અંદાજે’માં
એક વસ્તુ હંમેશાં ઉમેરાતી હતી —
જેનું કોઈ માપ જ નહોતું,
ને જે ડાયરીમાં
લખવાનું
એ ભૂલી ગઈ હતી.
– પરાગ રતનપરા