અંબાનો ગરબો
ડુંગર ઉપર દીવડો બળે, ને માડી ગરબે ઘૂમે,
લાલ ચૂંદડી લહેરાવે, ને આભ આખું ઝૂમે.
ગબ્બર ગોખે ઝળહળ જ્યોતિ, ઝાલર વાગે રાતે,
ગામે ગામથી સંઘ ચાલ્યા, પગપાળા સંગાથે;
થાક્યા પગને માડી તારું નામ જ હળવે ચૂમે…
ડુંગર ઉપર…
નવ નવ રાતો નવલાં તેજ, ને ચાચર ચોકે મેળો,
ઢોલ ઢબૂકે, તાળી પડે, ને રંગ રમે અલબેલો;
ઘરમાં ભૂખી સૂતી દીકરી, એની આંખે માડી ઝૂમે…
ડુંગર ઉપર…
પરાગ કહે: આ ગરબો તો છે શક્તિનું શરણું,
પણ ઘરની દીકરીનું માન કરો — એ જ સાચું ઝરણું;
દેવી પૂજો, દીકરી પૂજો, ત્યારે જ માડી ઘૂમે…
ડુંગર ઉપર…
– પરાગ રતનપરા