← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું ન હોત તો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મા,
તું ન હોત તો?

તો કદાચ
હું હોત —
પણ
હું આવો ન હોત.

મારી ભૂલો હોત,
પણ એમને
માફ કરનારી આંખ ન હોત.

મારી ભૂખ હોત,
પણ ‘તેં ખાધું?’
પૂછનારો અવાજ ન હોત.

મારી હાર હોત,
પણ હાર્યા પછી
માથે ફરતો હાથ ન હોત.

દુનિયા કહે છે
હું મારા પગ પર ઊભો છું.

એ ખબર નથી એમને —
આ પગ
આજે પણ
તારા ખોળામાંથી જ
ઊભા થાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅંબાનો ગરબોઆગલો લેખ →છૂટા શેર ૭૬૬૬–૭૭૦૫