અનહદ
મારી પાસે
એક જ કટોરી છે,
ને તું
આખું ચોમાસું થઈને
વરસે છે.
હું દોડું છું —
ઘડો લાવું,
માટલું લાવું,
ટાંકી ભરું,
તોય
આંગણું છલકાઈ જાય છે.
થાકીને
હું
કટોરી પણ
નીચે મૂકી દઉં છું
ને ઉઘાડે માથે
ઊભો રહું છું.
ત્યારે સમજાય છે —
તને
ઝીલવાનો નથી,
તારામાં
ભીંજાવાનું છે.
– પરાગ રતનપરા