અઘરું પડે
આ જમાનામાં સહજ થઈ જીવવું અઘરું પડે,
જે ગયું, તેને હસીને છોડવું અઘરું પડે.
સાચ સાંભળવું ગમે છે, ન્યાય તોળે સૌ, છતાં
ભૂલ પોતાની જ હો તો બોલવું અઘરું પડે.
ઘર નવું, ગાડી નવી, ને વસ્ત્ર પણ સૌ છે નવાં,
બાપની આ શાલ જૂની ઓઢવું અઘરું પડે.
કોઈનું દિલ તોડવામાં વાર ક્યાં લાગે, ભલા,
આપણું અભિમાન પોતે તોડવું અઘરું પડે.
આ પરાગે શબ્દથી સાંધ્યાં ઘણાં ફાટ્યાં વસન,
કાચ જેવું મન ફરીથી જોડવું અઘરું પડે.
– પરાગ રતનપરા
#ગઝલ #સરળતા #અહંકાર #સત્ય #સંબંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #SimpleLiving #Ego #Honesty #BrokenHearts #ParagRatanpara