← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજ આણું તેડવા આવ્યા, ગાડું ઊભું ડેલી રે,
માડી, તારી ઓસરીએ મેં બચપણ મારું મેલી રે.

ઢીંગલી મેલી કબાટ ખૂણે, ઝૂલો લીમડા ડાળે,
તુલસીક્યારે દીવો કરજે, માડી, સાંજને ટાણે;
ફળિયે ઊભી રડતી જોઉં નાનપણની સહેલી રે…
આજ આણું…

બાપુ ડેલીએ ઊભા ઊભા ગાડાવાળો સમજાવે,
પાઘડી નીચે આંસુ ઢાંકી ‘જા, બેટા’ કહી હસાવે;
પીઠ ફેરવી ત્યાં તો એમની આંખે ઊમટી હેલી રે…
આજ આણું…

પરાગ કહે: દીકરી તો જાણે તુલસીની એક ડાળી,
જ્યાં રોપો ત્યાં લીલી થાય ને આંગણ દે અજવાળી;
બે ઘરને જોડે એ, જાણે મંડપ ઉપર વેલી રે…
આજ આણું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદરિયો ને હુંઆગલો લેખ →મન મારું