આંખોમાં ચોમાસું
આંખોમાં બેઠું ચોમાસું, ને હૈયે બેઠો તાપ,
તમે જ કહો ને, સાજન, હવે હું શું કરું ચૂપચાપ?
આંગણ ભીનું, ઓસરી ભીની, ભીની મારી ઓઢણી,
તોય ભીતર તો સુક્કું સુક્કું, જાણે બળતી ખોરણી;
વાદળ વરસે ગામ આખામાં, મને જ લાગે શ્રાપ…
આંખોમાં બેઠું ચોમાસું…
સહિયર પૂછે: ‘કેમ રે બેની, ઝાંખી ઝાંખી લાગે?’
કેમ કહું કે નીંદર મારી રોજ રાતે ભાગે;
દીવો ઠારું, દીવો પેટાવું, ગણું ગણું પગલાંની છાપ…
આંખોમાં બેઠું ચોમાસું…
પરાગ કહે: આ વિરહ તો કેવો, ભીંજવે ને બાળે,
બેઉ ઋતુ એક સાથે આવી બેઠી એક જ ડાળે;
સાજન આવે ત્યારે જ ઊતરે, આ હૈયાનો તાપ…
આંખોમાં બેઠું ચોમાસું…
– પરાગ રતનપરા