મૌન
અધરનું મૌન, તોયે આંખ શરમાતી કહી દે છે,
હૃદયની વાત, ધીમી ચાલ ગભરાતી કહી દે છે.
નથી કાગળ, નથી શાહી, નથી સંદેશ, મેંદી છે,
હથેળીમાં જુઓ, આ ભાત ગૂંથાતી કહી દે છે.
હતી છત્રી, હતા બે જણ, ઘટા ઘનઘોર વરસે છે,
પ્રિયા કોરી રહી ને બાંય ભીંજાતી કહી દે છે.
હવે ઘરડાં થયાં, શબ્દો ય ઓછા સાથ આપે છે,
ઝરૂખે બે જણાની સાંજ મલકાતી કહી દે છે.
ન બોલ્યું ફૂલ ભમરાને, પરાગે ના કશું કીધું,
છતાં ખુશબૂ, હવાની વાત છલકાતી કહી દે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #ઇશારો #પ્રેમ #દાંપત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #UnspokenLove #Glances #LifelongLove #ParagRatanpara