આંખ ન ખોલું
હું આંખ નથી ખોલતી.
સપનામાં
મા હજી રસોડામાં છે,
પપ્પા હજી
સાઇકલ પર શાક લઈને આવે છે,
ને હું
ફ્રૉક પહેરીને
આંગણામાં લંગડી રમું છું.
બહાર
એલાર્મ વાગ્યા કરે છે,
દૂધવાળો ઘંટડી મારે છે,
‘મમ્મી, મોડું થાય છે’ —
મારી દીકરી બૂમ પાડે છે.
હું ઊઠું છું,
ચા મૂકું છું,
ને રસોડાના ધુમાડામાં
ક્ષણભર
માનો ચહેરો શોધી લઉં છું.
– પરાગ રતનપરા