આંગળી
હું ચાલતાં શીખ્યો
ત્યારે
બાપુની એક આંગળી
મારી આખી મુઠ્ઠીમાં સમાતી નહોતી.
એ આંગળી પકડીને
હું મેળો ચાલ્યો,
નિશાળ ચાલ્યો,
સ્ટેશન સુધી ચાલ્યો —
જ્યાંથી મારી ગાડી
શહેર ભણી ઊપડી.
આજે હૉસ્પિટલની લૉબીમાં
બાપુ ચાલતાં શીખે છે,
ને મારી એક આંગળી
એમની આખી મુઠ્ઠીમાં
સમાઈ જાય છે.
રસ્તો એનો એ જ છે,
માત્ર
આંગળી બદલાઈ ગઈ છે.
– પરાગ રતનપરા