← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આખી જિંદગી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં કમાયું પાટિયે બસ નામ, આખી જિંદગી,
ને અધૂરું ભીતરે આ કામ, આખી જિંદગી.

શ્હેરના ટાવર મહીં ઘર, લિફ્ટ, ઍસી, તો ય પણ
સ્વપ્નમાં દેખાય છે એ ગામ, આખી જિંદગી.

હું ગયો તીરથ, ગયો કાશી, ગયો ગિરનાર પણ,
બારણે ઊભા હતા શ્રીરામ, આખી જિંદગી.

રોજ ધાર્યું, કાલથી બસ શાંતિથી જીવીશ હું,
ને ન આવ્યો ભાગમાં આરામ, આખી જિંદગી.

આ પરાગે ના શરાબી થઈ કદી ઝૂલ્યો, છતાં
મ્હેકનો પીધો હતો મેં જામ, આખી જિંદગી.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવન #દોડધામ #ગામ #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #RatRace #Life #VillageNostalgia #Spirituality #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહીંચકે ઝૂલુંઆગલો લેખ →મોરપીંછ