← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હીંચકે ઝૂલું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હીંચકે ઝૂલું ને સાંભરે રે, મારા ડોસાની એ વાત,
પાંસઠ વરસનો સાથ હતો, ને હવે સૂની આ રાત.

આ જ હીંચકે બેસી કહેતો, ‘તું તો ચાંદનો કટકો’,
ચશ્માં ચડાવી છાપું વાંચે, ને મારો સાંભળે છણકો;
ધક્કો દેતો ધીમે ધીમે, ને ગણગણતો પરભાત.
હીંચકે ઝૂલું ને સાંભરે રે…

દાંત ગયા ને વાળ ગયા, તો ય મશ્કરીઓ ના ગઈ,
‘તારા વિના તો મરી જઈશ’, કહેતો, ને જતો રહ્યો અહીં;
હવે હીંચકો કિચૂડ કિચૂડ કરે, જાણે કરે ફરિયાદ.
હીંચકે ઝૂલું ને સાંભરે રે…

પૌત્ર આવીને ધક્કો દે છે, ને હસે એના જેવું,
પરાગ કહે, જે ગયું તે ગયું નહીં, રહી ગયું રૂપ નવું;
કિચૂડ કિચૂડમાં ડોસો બોલે: ‘હું છું ને, બે ઘડી સાથ.’
હીંચકે ઝૂલું ને સાંભરે રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદીવો ને હુંઆગલો લેખ →આખી જિંદગી