← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આઝાદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારી દીકરી
ભીંત પર લખે છે,
પાટી પર, હથેળી પર,
રેતીમાં, વરાળવાળા કાચ પર,
દાદાના ધોળા ધોતિયા પર પણ —
એક જ શબ્દ:
પોતાનું નામ.

હું ઠપકો આપું છું:
‘ભીંત બગડે.’

એ પૂછે છે:
‘તો નામ ક્યાં લખું, પપ્પા?’

મારી પાસે જવાબ નથી.

કારણ કે
મેં પણ એક દિવસ
ભીંત પર નામ લખ્યું હતું,
ને પછી
આખી જિંદગી
બીજાની ભીંતો રંગવામાં કાઢી.

હવે હું ચૂપ છું.
ભીંત ભલે બગડે.
એક છોકરી
પોતાનું નામ
દુનિયા પર લખતાં શીખી રહી છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતું નથીઆગલો લેખ →લોચન ને મન