આગળ મોકલો
ના વિચારો, ના તપાસો, વાત આગળ મોકલો,
સુપ્રભાતે ફૂલ, ને શુભરાત આગળ મોકલો.
ના કરો તો પાપ લાગે, એ જ ડરના નામ પર,
દેવના ફોટા મળે તો સાત આગળ મોકલો.
આગ લાગે ત્યાં બુઝાવો ના, પ્રથમ ફિલ્મો કરો,
ને લપેટાતી લપટની ઘાત આગળ મોકલો.
સત્ય-જૂઠાણું કહો ક્યાં કોઈને પરવા કશી?
ઝેર ઘોળી ધર્મનું, હર નાત આગળ મોકલો.
ફોનમાં ફૂલો ઘણાં છે, મ્હેક ક્યાં? પૂછે પરાગ,
બાગમાં જઈ શ્વાસ લો, ને જાત આગળ મોકલો.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ફોરવર્ડ #અફવા #સોશિયલમીડિયા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #FakeNews #WhatsAppForwards #SocialMedia #ParagRatanpara