આડી નદી
વચ્ચે આડી નદી રે સાયબા, વચ્ચે આડી નદી,
તું સામે કાંઠે ને હું આ કાંઠે, મળશું ક્યારે કદી?
નાવ નથી, ના નાવિક ક્યાંયે, પાણી ઊંડાં ઊંડાં,
રોજ સવારે ઘાટે આવી ઊભા રહીએ ભૂંડાં;
તારી વાંસળી પવને આવે, મારી ઝાંઝરી રડી…
વચ્ચે આડી નદી…
ગામ કહે છે નાત જુદી ને જુદાં જુદાં ઘર,
લોહી તો લાલ બંનેનું, તો શાને આટલો ડર?
નદી પણ જાણે સમજે, એ તો દરિયે જઈને મળી…
વચ્ચે આડી નદી…
પરાગ કહે: આ નદી નથી, આ તો ગામની રેખા,
મનની નાવ જો હિંમત રાખે, તો તૂટે સૌ લેખા;
કાંઠા ભલે ના મળે, પણ પ્રીત પુલ થઈ જાશે ચડી…
વચ્ચે આડી નદી…
– પરાગ રતનપરા