આ ગ્રુપમાં
સવારે સાત વાગ્યે સૌ ઠલવતા જ્ઞાન આ ગ્રુપમાં,
ગુલાબો, દેવ ને સૂરજ, ફરે ભગવાન આ ગ્રુપમાં.
નથી વાંચ્યું કદી પુસ્તક, નથી જોયું કદી શાળા,
ભણાવે છે દવાઓ ને નવું વિજ્ઞાન આ ગ્રુપમાં.
પડોશીના મરણ ટાણે ગયા ના બેસણે સાથે,
છતાં ફૂલો-ઇમોજીથી ધરી સન્માન આ ગ્રુપમાં.
અબોલા છે સગાં સાથે, ઘરે ઝઘડા ચલે રોજે,
છતાં ઊંચા અવાજે સૌ કરે ગુણગાન આ ગ્રુપમાં.
પરાગે પણ ગઝલ મૂકી, હતો બસ એક અંગૂઠો,
હતું ક્યાં કોઈને તે દી ગઝલનું ભાન આ ગ્રુપમાં?
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #વોટ્સએપ #ફોરવર્ડ #સોશિયલમીડિયા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #WhatsAppUniversity #FamilyGroup #SocialMedia #ParagRatanpara