આ ફાગણમાં તારો વારો
આ ફાગણમાં કાના, તારો વારો રે,
તેં રંગી'તી મુજને, હવે હું રંગીશ તને સારો રે.
ગયે વરસ તેં પિચકારી ભરી, પાલવ મારો તાક્યો,
ગલીએ ગલીએ શોર મચાવ્યો, ગુલાલ ગાલે નાખ્યો;
આ વરસે તારી વાંસળી સંતાડી, ગોપીઓનો ભારો રે…
આ ફાગણમાં કાના…
કેસૂડાં ઘૂંટી કાવડ ભરી, લાવી જમનાનું જળ,
લાલ, ગુલાબી, પીળો, લીલો, રંગ રાખ્યો ના એક પળ;
પણ શ્યામ ઉપર કયો રંગ ચડે? એ તો કાળો કાળો ન્યારો રે…
આ ફાગણમાં કાના…
પરાગ કહે: રાધા હસી ને ખાલી કરી પિચકારી,
હૈયું ઠાલવ્યું કાનાને માથે, ભીંજવ્યો ગિરધારી;
પ્રેમનો રંગ ચડ્યો ત્યાં કાનો થઈ ગયો રાધાનો પ્યારો રે…
આ ફાગણમાં કાના…
– પરાગ રતનપરા