યુદ્ધ વિશે
મારા દીકરાએ પૂછ્યું:
‘પપ્પા, યુદ્ધ કેમ થાય?’
મેં કહ્યું:
‘જમીન માટે.’
એ બારીમાંથી
આખું ખેતર જોઈ રહ્યો,
પછી બોલ્યો:
‘પણ જમીન તો
કોઈની સાથે નથી જતી,
દાદા પણ ગયા
ત્યારે
એ અહીં જ રહી.’
મારી પાસે
જવાબ નહોતો.
એણે ફરી પૂછ્યું:
‘તો પછી જે મરે છે
એને જમીન મળે?’
મેં કહ્યું:
‘હા.
છ ફૂટ.’
એ ચૂપ થઈ ગયો.
ત્યારથી
એ એના રમકડાના સૈનિકોને
દરરોજ
ખેતર ખેડતા બતાવે છે.
– પરાગ રતનપરા