← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

યશોદાનો પ્રશ્ન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માધવ,
જો કદી રસ્તે મળી જાય તો
હું ગીતા વિશે નહીં પૂછું,
વાંસળી વિશે પણ નહીં.

મારે પૂછવું છે —
મથુરા ગયા પછી
તેં ક્યારેય
યશોદાને કાગળ લખ્યો હતો?

ગોકુળમાં
એક ડોશી
રોજ સાંજે
માખણ ઉતારીને
શીકે લટકાવતી હતી,
કોઈ ચોરવા આવે
એની રાહમાં.

માખણ ખોરું થઈ જતું,
ને બીજે દિવસે
એ ફરી વલોણું ફેરવતી.

કૃષ્ણ,
તેં જગતને કર્મનો સિદ્ધાંત આપ્યો,
પણ એ ડોશીના
રોજના વલોણાનું ફળ
કોના ખાતામાં ગયું?

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખભીડઆગલો લેખ →ગામ