વિજોગણ
વગડે વગડે ભટકું રે, મારો વાલો ક્યાંય ન ભાળું,
ઝાંઝરનો ઝણકાર બન્યો રે મારે કાને તાળું.
કાંટા વાગે પગમાં, તોયે ફૂલ ગણીને ચૂમું,
તારે નામે એકતારો લઈ ગામે ગામે ઘૂમું;
લોક કહે છે ગાંડી, પણ હું શીદ ને કોને વાળું?
વગડે વગડે…
ઝેરનો પ્યાલો રાણે આપ્યો, અમરત થઈને પીધો,
મહેલ-મોલાતો છોડી, મેં તો ગિરિધર સાથે લીધો;
સૌ કહે: ‘ઘેર પાછી વળ’, મેં તો તોડ્યું સઘળું જાળું…
વગડે વગડે…
પરાગ કહે: આ વિરહ નથી રે, આ તો પ્રેમનું પાનું,
જે ભટકે તે પામે, બાકી ઘર તો સૌને છાનું;
રાત-દિવસ એક જ રટણા: મારું કાળજું કાનુડે વાળું…
વગડે વગડે…
– પરાગ રતનપરા